જ્યારે કુંડલિની જાગૃત થાય છે, ત્યારે તે નાડીઓ અને ચક્રોના સમગ્ર નેટવર્કને સક્રિય અને ઉર્જાન્વિત કરે છે. તે વિશાળ ઇલેક્ટ્રિકલ સર્કિટની જેમ તે દિવ્ય ઉર્જાને ક્રિયાન્વિત કરે છે. જાગૃત કુંડલિની સુષુમણા દ્વારા ધીરે ધીરે ઉપરની તરફ જવા માંડે છે. જેમ-જેમ શિષ્ય નિયમિત રીતે મંત્ર-જાપ અને ધ્યાન કરે છે તેમ-તેમ તે એક પછી એક ચક્રમાંથી પસાર થાય છે. કુંડલિની મુક્તપણે ઉપર ઉઠે તે માટે સુષુમણાનો માર્ગ સ્પષ્ટ હોવો જરૂરી છે. પણ જો કોઈ સાધકને કોઈ શારીરિક અથવા માનસિક રોગ, વ્યસન અથવા તેના પૂર્વજન્મના કર્મના ભાર રૂપે કોઈ અશુદ્ધતા હોય તો કુંડલિનીનો માર્ગ અવરોધિત થઇ શકે છે. કુંડલિની એ એક દૈવી શક્તિ છે જે સાધકના શરીર, તેના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના અંતર્ગત રહસ્યોને જાણે છે, તેથી તે ઉપર ઉઠતી વખતે આ અશુદ્ધિઓને સાધકમાં યોગિક ક્રીયાઓ અને ગતિવિધિઓને પ્રેરિત કરીને શુદ્ધ કરે છે. આ યોગિક ક્રીયાઓ અને ગતિવિધિઓ સાધકના શરીરમાં રોગોથી પ્રભાવિત અંગો અને અવયવોને શક્તિ આપે છે અને કાયાકલ્પ કરે છે. અશુદ્ધિઓ અથવા વ્યસનો અને તણાવ દ્વારા નિર્મિત થયેલા કોઈપણ અવરોધનો દૂર કરે છે. કુંડલિની શક્તિ સૂક્ષ્મ સ્તર પર સાધકના પૂર્વજન્મના સંસ્કારના સ્તરને ક્ષીણ કરવા માટે મદદ કરે છે જેથી તેનું ખરું રૂપ તેની આગળ પ્રગટ થાય.
ગળાના ચક્રમાંથી પસાર થયા પછી કુંડલિની આજ્ઞાચક્રમાં પ્રવેશ કરે છે. આ અંતિમ દ્વાર છે જ્યાંથી કુંડલિની શક્તિ ઉપર પહોંચી સહસ્ત્રારમાં તેના શિવને (પુરુષ શક્તિ) મળે છે. જ્યારે કુંડલિની શિવ સાથે એક થાય છે, ત્યારે માનવ શરીરમાં તેની યાત્રા પૂર્ણ થાય છે. સાધકને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેને જ્ઞાન થાય છે કે તે ફક્ત શરીર જ નહીં પરંતુ બ્રહ્મનો ભાગ છે – વિશાળ, સર્વોચ્ચ, અમર્યાદિત, શાશ્વત ચેતના જેને ભગવાન કહેવાય છે. આ અનુભૂતિથી તે જીવન અને મરણના અનંત ચક્રથી મુક્ત થઇ મોક્ષ પ્રાપ્ત કરે છે.