હિન્દુ ધર્મ શક્તિને એક દૈવી સ્ત્રીના સિધ્ધાંત નો સંદર્ભ આપે છે જે સમગ્ર બ્રહ્માંડની રચના અને સંચાલન કરે છે. શક્તિ ફક્ત સર્જક જ નથી, પરંતુ બધા પરિવર્તન પાછળની સંચાલક પણ છે. જો શક્તિ સમસ્ત બ્રહ્માંડને અસ્તિત્વમાં લાવે છે, તો તેમાંથી મુક્તિ પણ અપાવે છે. તે પોતાને વિવિધ રૂપમાં આ ભૌતિક બ્રહ્માંડમાં પ્રગટ કરે છે. હિન્દુ ધર્મમાં, શક્તિનું પ્રત્યેક પાસું એક ચોક્કસ દેવીનું પ્રતિનિધિત્વ કરે છે: જેમ કે અંબા (હિંમત), લક્ષ્મી (સમૃદ્ધિ), સરસ્વતી (જ્ઞાન), રાધા (ભક્તિ) વગેરે. ઋષિઓ માટે તે આધ્યાત્મિક ઉત્ક્રાંતિનો માર્ગ છે, માટે તેઓએ તેનું નામ ‘કુંડલિની’ રાખ્યું છે. તપસ્યા દ્વારા તેમને જાણ્યું કે “શક્તિ” એક ખૂબ જ ચેતન ઉર્જા છે – ચેતના છે. – જે આખા બ્રહ્માંડને અને તેમાં વસતા તમામ પદાર્થોને ઉર્જાન્વિત કરે છે.